ઉત્કર્ષ મઝુમદાર. સાડા ચાર દાયકાથી પણ જૂનો રંગભૂમિ સાથેનો એમનો અતૂટ સંબંધ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો સાથેના એમના રસપ્રદ અનુભવો. સો-દોઢસો વર્ષ જૂના જૂની રંગભૂમિના ગીતો અને એ ગીતો સાથે જોડાયેલી સોનેરી ચળકાટની કથાઓ. નવજીવન ટ્રસ્ટના આંગણે પધાર્યા હતા જાણીતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર. એમણે જૂની રંગભૂમિની ભાતીગળ વાતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
હકડેઠઠ ઓડિયન્સથી શોભતા સભાગારમાં અમદાવાદની જાણીતી અભિનેત્રી હેતલ મોદી અને ઉત્કર્ષ મઝુમદારે પ્રેક્ષકોને જૂની રંગભૂમિના ગીતોમાં તરબોળ કર્યા. હાસ્યની છોળો ઉડી, ગીત સંગીતના તાલે દર્શકો પ્રેમેથી ઝૂલ્યા.
ગુજરાતી રંગભૂમિના ગૌરવશાળી ઈતિહાસના પાનાઓથી ભાવકો રૂબરું થયા અને મૂઠી ઉંચેરા કલાકાર ઉત્કર્ષ મઝુમદારે સવા ત્રણ કલાકની ચોમાસે શોભતી રાત રંગદેવતાના ચરણે અમર કરી લીધી.