નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા લેખક, સંપાદક અને સંશોધક શ્રી હસિત મહેતા દ્વારા સંપાદિત અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત 'ગાંધીજી : જહાં હો વહાં' પુસ્તકનું વિમોચન થયું.
કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી મનસુખ સલ્લાએ પુસ્તક અને ગાંધીજીના ટપાલપ્રેમ વિશે સુંદર વક્તવ્ય આપ્યું. ગુજરાતી ભાષાના જાણીતા લેખક, સંપાદક અને પત્રકાર શ્રી પ્રકાશ ન. શાહે ગાંધીજીના જીવન અને ટપાલ વિશ્વ વિશેના પોતાના અવલોકનો પોતાની આગવી અને હળવી શૈલીમાં વ્યક્ત કર્યા.
પત્રકાર અને લેખક ઉર્વીશ કોઠારીએ સંચાલકની ભૂમિકામાં શ્રોતાઓને ગાંધીજી અને વિશ્વ ટપાલજગત સાથે જોડી આપ્યા.
અંતે, લેખક હસિત મહેતાએ આ પુસ્તકના સંશોધનની સફર વિશે વાત કરી. આ ચારેય વક્તાઓએ ભાવકોને સમૃદ્ધ કર્યા.
ભારત સહિત ૧૩૦ દેશોએ ગાંધીજી અને એમના વિષયક ટપાલટિકિટો પ્રકાશિત કરી છે. જે પૈકી ઘણી બધી ટિકિટો દુર્લભ અને અતિમુલ્યવાન છે. ટપાલજગત અને ગાંધીજી આ વિષયક ૪૨ જેટલા લેખોનો સંપુટ હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે.