હું અને મળેલા જીવ નવલકથા.. લેખક શ્રી પન્નાલાલ પટેલ.. વાચિક્મ કવિ શ્રી શૈલેષ પંડયા ભીનાશ
#books #book #booklover #reading #read #bookish #instabook #author #literature #instabooks #malelajeev #pannalalPatel #writer #gujaratiliterature
#shaileshpandyabhinash #vachikam
malela jeev | pannalal patel | shailesh pandya bhinash | podcast #youtube #viralvideo #podcast
આ પ્રેમકથા પન્નાલાલ પટેલની સીમાસ્તંભ પ્રમુખ નવલકથા છે.
ગુજરાતી સાહિત્યમાં દિવો લઈને ફંફોસો તોપણ આવી પ્રેમકથા (નવલકથા) હાથ નહિ લાગે એવું કહું તોપણ દંભ નહિ. વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય. પુસ્તકમાં વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.
શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રસ્તાવના એ પુસ્તકમાં સમાપનમાં જે વાક્ય લખ્યું છે એ ટાંકું છું,
” માનવીઓ ! આ ધરતીની સુવાસ તો માણો ! માનવીનું અહીં ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો ! “
અરેબિક સાહિત્યમાં પ્રેમની (love) સાત અવસ્થાઓ વિશે વર્ણન મળે છે : આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ ( સમર્પણ ), દિવાનગી અને … મોત. આ સાતેય અવસ્થાઓ આ નવલકથામાં આપ જોઈ શકશો.મળેલા જીવ – પાત્ર પરિચય
કાનજી – ઉધેડિયા ગામમાં મોટાભાઈના પરિવાર સાથે રહેતો પટેલ ખેડૂત યુવાન.
જીવી – બાજુના જોગીપરા ગામમાં રહેતી વાળંદ પરિવારની યુવતી
હીરો – કાનજી નો મિત્ર અને સુખ-દુઃખનો સાથી
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે.
તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની અંતરની લગનીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે; પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ પછી જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડી જાય છે.
જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: .
“શીદ મેલ્યું ‘લ્યા ઝરમર કાળજું !
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !”
એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી.દુ:ખ અસહ્ય બનતાં જીવી આત્મહત્યા કરવા ઝેર ભેળવીને રોટલો ઘડે છે તે એની ગેરહાજરીમાં પડોશણ અજાણતાં ધૂળાને પીરસે છે, જે એનું મોત નોતરે છે. જીવી લોકાપવાદનો ભોગ બને છે. ખુદ કાનજી પણ એના પર વહેમાય છે. એ આઘાતથી શોકમગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. એ આઘાતથી જીવી ઉદભ્રાન્ત બની જઈ બેહાલ થાય છે.
=====================
“ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું
કોક દન કરી ‘તી પ્રીત”
=====================
જીવી હવે સાવ ગાંડી થઇ ગામમાં ફરે છે અને ભગત નામનો કાનજીનો મિત્ર જીવીને લઈને દેવ બાવજી ને ત્યાં સંઘમાં લઇ જાય છે અને ત્યાથી છેવટે કાનજી તેને શહેર લઈ જાય છે.
મોટાભાઈના કુટુંબ પ્રત્યેના કર્તવ્યભાનથી પોતાના પ્રેમનો ભોગ આપતો, પ્રિયતમ ‘પરને સોંપી’ એ પછી એના સંસારથી રાખવું જોઈતું અંતર રાખતો અને વખત આવ્યે પોતાનાં હિતની કે સમાજની પરવા કર્યાં વગર જીવીને લેવા હાજર થઈ જતો કાનજી માત્ર પ્રેમી નહિ, જીવન વિશે ઊંડી સમજ ધરાવતી જવાબદાર વ્યક્તિ તરીકે પણ ધ્યાન ખેંચે છે;
તો જીવી નિર્ભેળ અતલ પ્રેમમાં ઊંડે ઊતરી ગયેલી નારી તરીકે ચિરસ્મરણીય બની રહે છે. એમનાં મન:સંચલનોનું ઝીણવટભર્યું, વિસ્મયકારી આલેખન આ કથાનો આસ્વાદ્ય અંશ છે. સૂધબૂધ ખોઈ બેઠેલી જીવી અને તમામ દ્વિધાઓમાંથી મુક્ત કાનજી દ્વારા એનો સ્વીકાર, કથામાં આવતા આ વળાંકો વસ્તુત: પ્રેમનું સચ્ચાઈભર્યું સૂક્ષ્મ રૂપ જ વ્યક્ત કરે છે. એથી એમાં શ્રદ્ધા અને સાહસનું બળ ઉમેરાય છે.
કાનજી અને જીવી ઉપરાંત કથામાં આવતું ભગતનું પાત્ર પણ યાદગાર છે. એ ગ્રામસમાજના એક ભાગરૂપ છે. કથામાં આ ગ્રામસૃષ્ટિનો સંચાર પણ છે. એના લોકમાનસનું, જીવનવ્યવહારનું અને લેખકના વતન એવા ગુજરાતનું ઈશાનિયા પ્રદેશની પ્રકૃતિનું નિરૂપણ વાસ્તવનિષ્ઠ હોવા સાથે કલાત્મક પણ છે. ભાષાને જરૂર પડ્યે કાવ્યમય બનવા દઈને પણ લેખકે તેને કથનક્ષમ રાખી છે. એનું તળપદું પોત કથામાં સાદ્યન્ત ફરફરતું રહ્યું છે.
શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડશે , પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની સંકુચિત બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે. આજના આધુનિક યુગમાં પ્રેમીયુગલોએ પોતાના પ્રેમને સાર્થક બનાવવા આ રચનાને વાંચવી જોઇએ
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધિ, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયા જેવું તેમનું વિશાળ દિલ, તેમનો કપટરહિત નિસ્વાર્થ નિર્મળ પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી લાલચુ લોકો. આ બધાનું આલેખન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે.
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે
” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા !”