પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર ।
અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ॥૧॥
સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જિયાં જિયાં રહ્યા’તા જન ।
તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિ પર ભગવન ॥૨॥
કોઈ પ્રકારનો પ્રાણધારી, પામિયા જે પ્રસંગ ।
તે સહુ સુખિયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ॥૩॥
જેમ અર્કને ઊગવે કરી, રહે નહીં અણુએ અંધાર ।
તેમ સહજાનંદ સૂર્યથી, જન પામ્યા સુખ અપાર ॥૪॥
ચોપાઈ
બહુ અવતારના જે દાસ રે, તેની પૂરી કરવાને આશ રે ।
ધર્યું રૂપ અલૌકિક એવું રે, સહુને પૂજવા સેવવા જેવું રે ॥૫॥
સહુ લોકને આવિયો લાગ રે, મળ્યો મહાસુખ લેવાનો માગ રે ।
મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઈ રે, સેવી સુખ લેવા મનમાંઈ રે ॥૬॥
તે સહુનું ઊઘાડિયું બાર રે, નાના મોટાનું એક જ વાર રે ।
લિયો લાવો દાવો ભલો આવ્યો રે, આવ્યો અવસર આજ મન ભાવ્યો રે ॥૭॥
જેવી સમૃદ્ધિ જેવી સામગરી રે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિ રે ।
અશન1 વસન ભૂષણે ભાવ ભરી રે, પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી રે ॥૮॥
જળ દળ2 જે જે કાંઈ મળે રે, પૂજો પૂજાશે આજ સઘળે રે ।
કુંકુમ કસ્તુરી કપૂર કેસર રે, અર્ઘ્ય3 અગર ચંદન અત્તર રે ॥૯॥
ધન ધાન્ય વૃક્ષ ને વાહને રે, ગાય ગવા4 મહિષી5 સદને6 રે ।
વાડી ખેત્ર વસુંધરા વળી રે, સેજ પલંગ પાથરણાં મળી રે ॥૧૦॥
ગાદી તકીયા ઓછાડ ઓસીસે રે, જે જે આપશો તે આજ લેશે રે ।
કમળનાળ ડોડા ડોડી પાન રે, લઈ રાજી થાશે ભગવાન રે ॥૧૧॥
દૂધ મધ દહીં મહી વળી રે, ઘી ગોળ શર્કરા7 ગળી રે ।
ઇક્ષુદંડ8 ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેક રે ॥૧૨॥
પાન બીડી લવીંગ સોપારી રે, જાયફળ એલા તજ સારી રે ।
એહ આદિ જમવાનાં જેહ રે, આવે ઊત્તમ પૂજવામાં તેહ રે ॥૧૩॥
જે જે શુદ્ધ વસ્તુ સુખદાઈ રે, તે તે આવે સર્વે સેવામાંઈ રે ।
એવો આજનો છે અવતાર રે, સહુ જીવને સુખ દેનાર રે ॥૧૪॥
હળી મળી પાસે રહીયે રે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયે રે ।
એમ સહુને બહુ સુગમ રે, થયા પોતે તે પૂરણ બ્રહ્મ રે ॥૧૫॥
સર્વે અવતારનો જે સંકોચ રે, ભાંગ્યો ભક્તનો ન રાખી પોચ9 રે ।
મત્સ્ય કચ્છ વરાહ નરસિંગ રે, તે તો મનુષ્યથી વિજાતિ અંગ રે ॥૧૬॥
સજાતિ વિના સુખ ન આવે રે, માટે નરપ્રભુ ભક્તને ભાવે રે ।
ધરે નરતન હોય નરેશ રે, તોય બહુને ન હોયે ઊપદેશ રે ॥૧૭॥
વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાત રે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાત રે ।
માટે આ જે લીધો અવતાર રે, શોધી સારતણું ઘણું સાર રે ॥૧૮॥
સૌને સુગમ અગમ નહિ અણું રે, સર્વે આગમે10 નિગમે11 ઘણું રે ।
થયા એવા પોતે પૂર્ણકામ રે, પૂરી સર્વે જીવની હામ રે ॥૧૯॥
તોય વળતું વિચાર્યું છે એમ રે, બહુ જીવ તે ઉદ્ધરે કેમ રે ।
દઈ દર્શન દોષ નિવારું રે, તેણે પામે પરમ ધામ મારું રે ॥૨૦॥