પેન્સિલવેનિયામાં આવેલા એક સ્મોક સ્ટોરમાં જોબ કરતાં મયૂરકુમાર રાજેન્દ્રભાઈ પટેલ નામના એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 28 વર્ષના મયૂર પર પ્રતિબંધિત નશીલા પદાર્થો વેચવાનો આરોપ છે, બ્રેડફોર્ડ કાઉન્ટીના ટોવાન્ડામાં આવેલા સ્મોક સ્ટોરમાં મયૂર જોબ કરતો હતો, શુક્રવારે તેને અરેસ્ટ કરીને બ્રેડફોર્ડ કાઉન્ટીની જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર આરોપીને ફ્લાઈટ રિસ્કનું કારણ આપીને બોન્ડ પર છોડવાનો પણ ઈનકાર કરી દેવાયો છે, આ ઉપરાંત મયૂર ઈલીગલી અમેરિકા આવ્યો હતો તેમજ ICE પણ તેની અટકાયત કરી શકે છે તેવું પણ તેને અરેસ્ટ કરનારી એજન્સી દ્વારા કોર્ટને જણાવાયું હતું. સોમવારે બ્રેડફોર્ટ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ વિલ્સને કન્ફર્મ કર્યું હતું કે મયૂર અમેરિકામાં ઈલીગલી દાખલ થયો હતો. પેન્સિલવેનિયાના લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મયૂર ટોવાન્ડા બરોમાં આવેલા સ્મોકર્સ સ્યૂડિયો નામના સ્ટોરમાં જોબ કરતો હતો, જેમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં તેની સામે પેન્સિલવેનિયા સ્ટેટના નાર્કોટિક્સ યુનિટ દ્વારા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. મયૂર જે સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં પોલીસની રેડ પડ્યા બાદ હાલ તે ટેમ્પરરી બંધ થઈ ગયો છે, જોકે તેનો ઓનર કોણ હતો અને તેની સામે કોઈ કાર્યવાહી થઈ કે નહીં તે જાણવા નથી મળ્યું.