નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં ભારતીય સાહિત્યની બે ઉત્તમ કૃતિઓ વિશે વાત થઈ. ગુજરાતી ભાષાના મહાન અનુવાદક, સંપાદક અને વાર્તાકાર શ્રી રમણિક મેઘાણી અનુવાદિત બે પુસ્તકો, મૈત્રેયીદેવી લિખિત ‘ગુરુદેવ અમારે આંગણે’ અને અને અવનીન્દ્રનાથ ઠાકુર લિખિત ‘જોડાસાંકોર ધારે’. મૂળે બંગાળી ભાષામાં લખાયેલા આ બંને પુસ્તકો અનુક્રમે સંસ્મરણકથા અને બીજું પુસ્તક આત્મકથા. ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા રમણિક મેઘાણીએ બંગાળી ભાષાના ઉત્તમ પુસ્તકોનો ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠરીતે રજૂ કર્યા.
વાર્તાકાર, નિબંધકાર અને નાટ્યકાર શ્રી મહેન્દ્રસિંહ પરમારે અવનીન્દ્રનાથ ઠાકુર લિખિત અને શ્રી રમણિક મેઘાણી અનુવાદિત ‘જોડાસાંકોર ધારે’ વિશે સુંદર વક્તવ્ય આપ્યું.
નવલકથાકાર, કવયિત્રી અને અભિનેત્રી દેવાંગી ભટ્ટે મૈત્રેયીદેવી લિખિત અને શ્રી રમણિક મેઘાણી અનુવાદિત ‘ગુરુદેવ અમારે આંગણે’ કૃતિ વિશે રસપ્રદ વાતો કરી. આ બંને વક્તાઓએ ભાવકોને સમૃદ્ધ કર્યા.
આ પ્રસંગે રમણિક મેઘાણી પરિવારમાંથી એમની બંને દીકરીઓ તરુ મેઘાણી કજારિયા અને સરુ હરીન મહેતા ઉપસ્થિત હતા. સરુબહેને રમણિક મેઘાણી લિખિત પ્રાર્થનાનું ગાન કર્યું અને તરુબહેને પિતા રમણિક મેઘાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા. અહીં શિવજી આશર પરિવાર ઉપસ્થિત હતો. ‘જોડાસાંકોર ધારે’ પુસ્તક પહેલીવાર પ્રગટ થયું ત્યારથી શિવજી આશરને આ પુસ્તક માટે વિશેષ મમત હતી. પુસ્તક ફરીથી ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ થાય એ એમનું સ્વપ્ન એમના દીકરા અપૂર્વ આશરે પૂર્ણ કર્યું. અહીં અપૂર્વ આશરે પ્રકાશક પિતા શિવજી આશરને યાદ કર્યા અને એમના આ પુસ્તક પ્રેમ વિશે અને સપનાઓ વિશે લાગણીસભર સંવાદ કર્યો.
છેલ્લા ઘણા સમયથી રમણિક મેઘાણી અનુવાદિત આ બે ઉત્તમ પુસ્તકો ગુજરાતી વાચકો માટે અપ્રાપ્ય હતા ત્યારે નવજીવન ટ્રસ્ટ આ બંને ક્લાસિકલ કૃતિઓને પુન: પ્રગટ કર્યા અને ગુજરાતી ભાવકો માટે તરતા મૂક્યા છે.